ગુજરાતમાં થોડા સમય પહેલા હાર્ટ એટેકના બનાવથી યુવાનોના મોત થતા હોવાના બનાવો સામે આવતાં લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેક આવતાં બે લોકોના મોત નિપજ્યાં છે. જેમાં ધોરણ 7માં ભણતા એક વિદ્યાર્થી અને એક 20 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. હવે લુણાવાડામાં ચાલુ ક્લાસે શિક્ષકને હાર્ટ એટેક આવતાં તેમનું મોત નિપજ્યું હતું.


લુણાવાડામાં ચાલુ ક્લાસે શિક્ષકને હાર્ટ એટેક આવ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે લુણાવાડા તાલુકાની ઝરખવાડા પ્રાથમિક શાળામાં ચાલુ ક્લાસ દરમિયાન શિક્ષકને હાર્ટ એટેક આવ્યો હતો. શિક્ષકને 108 મારફતે હોસ્પિટલ લઇ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રાજેશભાઈ નામના 55 વર્ષીય શિક્ષકનું મોત નીપજતા પંથકમાં શોકનો માહોલ ફલાયો હતો. થોડા સમય અગાઉ હૃદયની સારવાર પણ કરાવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

રાજકોટમાં નાની ઉંમરે બે લોકોને હાર્ટ એટેક આવ્યો

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં ધોરણ 7માં ભણતા 13 વર્ષિય ભાવેશ બાંભવા નામના વિદ્યાર્થી પાણી પીધા બાદ ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત રાજકોટમાં મેટોડા GIDCમાં કામ કરતાં 20 વર્ષિય યુવક યુવરાજસિંહ યાદવનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. આ યુવાન લઘુશંકા કરવા માટે ઉભો હતો અને અચાનક ઢળી પડ્યો હતો.સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.એક જ દિવસમાં નાની ઉંમરના બે લોકો અને એક 55 વર્ષિય આધેડ શિક્ષકનું મોત થતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.


  • Follow us on: