દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા 52 વર્ષીય આધેડે સલાયા સ્થિત પોતાના મકાનમાં ઝેરી દવા ગટગટાવી લેતા ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ આધેડનું મોત નિપજતા એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.


જામ ખંભાળીયામાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત 

મળતી વિગત મુજબ, જામ ખંભાળિયામાં રહેતા જિતેન્દ્રભાઈ વડોલીયા (ઉં. ૫૨) એ સલાયામાં આવેલા પોતાના જૂના મકાન ખાતે કોઈ ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તેમને તાત્કાલિક જામ ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ લથડતા ગંભીર હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પરિવારનો વ્યાજખોરો પર ગંભીર આક્ષેપ

જિતેન્દ્રભાઈના મોતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, જિતેન્દ્રભાઈ વ્યાજખોરોના ત્રાસથી લાંબા સમયથી પરેશાન હતા. વ્યાજખોરો દ્વારા આપવામાં આવતી માનસિક પીડા અને ધાક-ધમકીઓને કારણે કંટાળીને તેમણે આ આત્મઘાતી ડગલું ભર્યું છે.

પોલીસ તપાસ અને કાર્યવાહી

આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારના નિવેદનોના આધારે વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે.

 આ પણ વાંચો: Vadodara: અક્ષર ચોક પાસે ડમ્પરની અડફેટે 21 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત, પરિવારમાં માતમ

  • Follow us on: