રાજકોટમાં AIIMS સાથે જોડાયેલા એક મેડિકલ વિદ્યાર્થીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લેતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ રતન મેઘવાળ તરીકે થઈ છે, જે MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

સુસાઇડ નોટ મળી

પોલીસના જણાવ્યા અનુસાર, યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ નોટ રાજસ્થાની ભાષામાં લખાયેલી હોવાનું જાણવા મળ્યું છે, જેને આધારે વધુ તપાસ ચાલી રહી છે.

મૃતક વિદ્યાર્થી અગાઉ પણ આપઘાત કરવાનો પ્રયાસ કરી ચૂક્યો હતો

પ્રાથમિક માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી અગાઉ પણ આપઘાત કરવાનો પ્રયાસ કરી ચૂક્યો હતો. જાન્યુઆરી મહિનામાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે પોલીસને સમયસર જાણ થતાં તેને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની કાઉન્સેલિંગ સહિત જરૂરી પ્રક્રિયા પણ કરવામાં આવી હતી.

મૃતકના માતા-પિતાની પૂછપરછ

હાલમાં પોલીસ મૃતકના માતા-પિતાની પૂછપરછ કરી રહી છે જેથી ઘટનાના કારણો અંગે વધુ માહિતી મળી શકે. સાથે જ વિદ્યાર્થીના ક્લાસમેટ્સ અને હોસ્ટેલમાં સાથે રહેતા વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધવામાં આવશે.

રેગિંગ બાબતે પણ તપાસ થશે

પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. ખાસ કરીને આ ઘટના પાછળ કોઈ રેગિંગ અથવા અન્ય પ્રકારનું દબાણ તો જવાબદાર નથી ને તે બાબતની પણ ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનો સાચો ખુલાસો થઈ શકશે.


આ પણ વાંચો----     Ahmedabadના બોપલમાં બાથરૂમના કિંમતી નળ ચોરતી એક ગેંગ નો પોલીસે કર્યો પર્દાફાશ