સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કચોલીયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં ઘરની બાજુમાં આવેલી એક દિવાલ અચાનક ધરાશાયી થતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે મહિલાઓનો આબાદ બચાવ થયો છે.

દિવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત 

ગામની ત્રણ મહિલાઓ ઘરની નજીક શાંતિથી કપડાં ધોઈ રહી હતી. તે સમયે ત્યાં આવેલી એક જૂની દિવાલ અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. દિવાલ અચાનક પડવાને કારણે મહિલાઓને સંભાળવાનો મોકો મળ્યો નહોતો અને તેઓ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મહિલાઓને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ દિવાલ જૂના બાંધકામ પર જ નવી દિવાલ ચણીને બનાવવામાં આવી હતી. યોગ્ય મજબૂતી અને પાયા વગરનું આ બાંધકામ ચોમાસા કે અન્ય કારણોસર નબળું પડ્યું હોવાનું અનુમાન છે. આ બેદરકારીને કારણે આજે એક પરિવારે પોતાની સ્વજન ગુમાવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: વિધાનસભામાં ધારાસભ્યોની 'નિરસતા', 5 MLAએ સત્ર દરમિયાન એક પણ સવાલ ન પૂછ્યો