ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન જનતાના પ્રશ્નો ઉઠાવવાની જવાબદારી ધારાસભ્યોની હોય છે, પરંતુ અમદાવાદના ધારાસભ્યોની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વિધાનસભામાં મળેલી માહિતી મુજબ, અમદાવાદના પાંચ ધારાસભ્યોએ તો સત્ર દરમિયાન એક પણ પ્રશ્ન પૂછ્યો જ નથી, જ્યારે અનેક ધારાસભ્યોની કામગીરી નામમાત્રની રહી છે.
વિધાનસભામાં અમદાવાદના MLA વિધાનસભામાં મૌન રહ્યા
અમદાવાદ શહેરી વિસ્તારમાં કુલ 16 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 14 બેઠકો પર ભાજપનું વર્ચસ્વ છે. વિપક્ષી કોંગ્રેસના ધારાસભ્યોની કામગીરીની વાત કરીએ તો, દાણીલીમડાના ધારાસભ્યએ 19 અને જમાલપુરના ધારાસભ્યએ 22 સવાલો પૂછીને પોતાની સક્રિયતા દર્શાવી છે. તેની સામે સત્તાધારી પક્ષના મોટાભાગના ધારાસભ્યો કાં તો ચૂપ રહ્યા છે અથવા તો માત્ર દેખાવ પૂરતા 'ચીલાચાલુ' પ્રશ્નો પૂછ્યા છે.










