ઉનાળાના વેકેશનમાં ફરવા જવા ઈચ્છતા અમદાવાદીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ગોતા વિસ્તારમાં આવેલી એક જાણીતી ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપની દ્વારા પ્રવાસીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી અને મનમાની આચરવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. હિમાચલ પ્રદેશના સુંદર લોકેશન ચંદ્રતાલ અને સ્પીતિ વેલીની ટુર કરાવી આપવાના બહાને 30 સભ્યોના એક ગૃપ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા બાદ ત્યાં કોઈ સુવિધા ન આપીને અટવડાવી મૂકવામાં આવ્યા હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે.

8 લાખથી પણ વધુની રકમ વસૂલ કરી

મળતી વિગતો અનુસાર, અમદાવાદના ગોતા ખાતે કાર્યરત 'જોલી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ' વિરુદ્ધ ગ્રાહકો દ્વારા ઠગાઈની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભોગ બનનાર ગ્રાહકોએ જણાવ્યું હતું કે, તેઓએ હિમાચલ પ્રદેશના ચંદ્રતાલ અને આસપાસના વિસ્તારોની ટુર માટે આ ટ્રાવેલ્સ એજન્સીનો સંપર્ક કર્યો હતો. સંચાલકોએ તમામ લક્ઝુરિયસ સુવિધાઓ, હોટેલ સ્ટે અને ટ્રાન્સપોર્ટેશનનું આશ્વાસન આપીને ૩૦ સભ્યોની આ ટુર માટે કુલ રૂપિયા 8 લાખથી પણ વધુની રકમ વસૂલ કરી લીધી હતી.

ટુર સંચાલકોએ પોતાનો અસલી રંગ બતાવ્યો

જોકે, પ્રવાસીઓનું આ ગૃપ જેવું સ્પીતિ પહોંચ્યું કે તરત જ ટુર સંચાલકોએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું. પેકેજમાં નક્કી થયા મુજબની કોઈ પણ સગવડો કે હોટેલની વ્યવસ્થા પ્રવાસીઓને આપવામાં આવી નહોતી. મુસાફરોએ જ્યારે આ બાબતે વિરોધ કર્યો ત્યારે ટુર ઓપરેટરોએ મનમાની ચલાવીને તેમની સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું.

30 ગુજરાતી પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા

છેક હિમાચલના અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યા બાદ સુવિધાઓના અભાવે 30 ગુજરાતી પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અમદાવાદ પરત ફરતા જ રોષે ભરાયેલા ગ્રાહકોએ કાયદાનો આશરો લીધો છે અને જોલી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો----     Trumpની ‘રેડ લાઇન’ સામે ઈરાન ઝૂકશે? 2 કલાક ચાલેલી હાઈ-વોલ્ટેજ બેઠક પણ અનિર્ણાયક