રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને લઈને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે રાજ્યભરમાં કુલ 140 સ્ટ્રોંગરૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં પ્રશ્નપત્રોને અત્યંત ગુપ્તતા સાથે સીલ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદમાં વિશેષ વ્યવસ્થા
રાજ્યના સૌથી મોટા કેન્દ્ર એવા અમદાવાદ શહેરમાં કુલ 12 સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યા છે. આ તમામ રૂમમાં ૨૪ કલાક CCTV કેમેરા દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. કોઈ પણ અનધિકૃત વ્યક્તિ આ વિસ્તારમાં પ્રવેશ ન કરી શકે તે માટે સ્ટ્રોંગરૂમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
DEOનું સીધું મોનિટરિંગ
જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા આ તમામ વ્યવસ્થાઓનું વ્યક્તિગત રીતે અને ટેકનોલોજીના માધ્યમથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રશ્નપત્રોની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કમી ન રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ સતત સંપર્કમાં છે.
પરીક્ષાના દિવસે કેવી રહેશે વ્યવસ્થા?
પરીક્ષાના દિવસે નિર્ધારિત સમયે પ્રશ્નપત્રોને સ્ટ્રોંગરૂમમાંથી બહાર કાઢવામાં આવશે. ત્યારબાદ પોલીસ સુરક્ષાના કાફલા સાથે આ પ્રશ્નપત્રોને જે-તે પરીક્ષા કેન્દ્રો (સેન્ટરો) સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પેપર લીક જેવી ઘટનાઓ ન બને તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Surat: મનપામાં રાજીનામાના નાટકનો અંત, ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ રાજીનામું પરત ખેંચ્યું