સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ ગત 10 દિવસ પહેલા અચાનક રાજીનામું ધરી દેતા પાલિકાના વહીવટી અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો વ્યાપી ગયો હતો. જોકે, હવે તેમણે પોતાનું આ રાજીનામું પરત ખેંચી લેતા સમગ્ર વિવાદ પર હાલ પૂરતો પડદો પડ્યો છે.

સુરત મનપા ડેપ્યુટી કમિશનરનું યુ-ટર્ન

સ્વાતિ દેસાઈએ અંગત કારણોસર 10 દિવસ અગાઉ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ ઘટના બાદ પાલિકાના વહીવટી તંત્રમાં અનેક અટકળો વહેતી થઈ હતી. ઘણા લોકો તેને આંતરિક રાજકારણ સાથે જોડી રહ્યા હતા. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી તેમના પરિવારજનો અને નિકટના મિત્રો દ્વારા તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.

 ટૂંક સમયમાં ફરી પોતાની કામગીરી સંભાળશે

સ્વાતિ દેસાઈએ જણાવ્યું છે કે, પરિવાર અને હિતેચ્છુઓની સમજાવટ તેમજ શહેરના હિત અને વહીવટી જવાબદારીઓને ધ્યાને રાખીને તેમણે રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. તેઓ ટૂંક સમયમાં ફરી પોતાની કામગીરી સંભાળશે.આ 'યુ-ટર્ન' ને પગલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ડેપ્યુટી કમિશનર જેવી મહત્વની પોસ્ટ પર રહેલા અધિકારીના આ નિર્ણયથી હાલમાં વહીવટી તંત્રમાં ચર્ચાઓનું બજાર ગરમ છે.

આ પણ વાંચો:Vadodara: કોર્પોરેશને ભૂતકાળમાં કૂવા પર જ રોડ બનાવી દીધો હોવાનો ખુલાસો, તંત્રની બેદરકારીનો ભેદ ખુલ્યો