શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને BSNLમાંથી નિવૃત થયેલા એક કર્મચારી સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. ક્રેડિટ કાર્ડની પ્રોસેસ કરાવવાની લાલચમાં નિવૃત કર્મચારીએ પોતાના પરસેવાની કમાણીના રૂપિયા 2.38 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


અમદાવાદમાં નિવૃત કર્મચારી સાથે છેતરપિંડી

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર નિવૃત કર્મચારીને ક્રેડિટ કાર્ડ મેળવવા માટે ઓનલાઇન પ્રોસેસ કરવાની લિંક કે સંપર્ક કરવામાં આવ્યો હતો. સાયબર ગઠિયાઓએ વિશ્વાસમાં લઈ ઇમેઇલ દ્વારા ક્રેડિટ કાર્ડની તમામ ખાનગી વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ, વધુ એક કદમ આગળ વધીને ગઠિયાઓએ વીડિયો કોલ મારફતે કર્મચારી પાસેથી OTP (વન ટાઈમ પાસવર્ડ) મેળવી લીધો હતો.

લાખો રૂપિયા ઉપડી ગયા

જેવો જ નિવૃત કર્મચારીએ વીડિયો કોલ પર OTP આપ્યો, કે તરત જ તેમના ક્રેડિટ કાર્ડમાંથી કટકે-કટકે કુલ ₹2,38,000 ઉપડી ગયા હોવાના મેસેજ આવવા લાગ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. સેટેલાઇટ પોલીસે આ મામલે આઈટી એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સાયબર સેલની મદદથી જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Una: પ્રેમની જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું અને લગ્ન બાદ પતિને અંગત ફોટા બતાવી ઘર ભંગાવ્યું, આરોપી જેલના સળિયા પાછળ

  • Follow us on: