ગિરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મેણ ગામે માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પ્રેમસંબંધ બાંધી યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ અંગત પળોના ફોટા પાડી બ્લેકમેઈલ કરનાર શખ્સને ઉના પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ઉનામાં પ્રેમ સંબંધ બાંધી આચર્યું દુષ્કર્મ
મળતી માહિતી મુજબ, મેણ ગામના દિલીપ સાંખટ નામનો યુવક પીડિતા સાથે મજૂરીકામ અર્થે જતો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઓળખાણ થઈ હતી જે પ્રેમસંબંધમાં પરિણમી હતી. આ સંબંધનો ફાયદો ઉઠાવી દિલીપે યુવતીને પોતાના ઘરે બોલાવી તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. આટલું જ નહીં, નરાધમે આ અંગત પળોના ફોટા પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા.
બ્લેકમેઈલિંગ અને લગ્ન જીવનમાં ભંગાણ
આરોપી દિલીપે આ ફોટા પરિવારજનોને બતાવી દેવાની ધમકી આપી યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સમય જતાં યુવતીના લગ્ન અન્ય યુવક સાથે થયા હતા, પરંતુ હવસખોર દિલીપે ત્યાં પણ પીછો ન છોડ્યો. તેણે પીડિતાના પતિને આ અંગત ફોટા બતાવી દીધા હતા, જેના પરિણામે પતિએ પત્નીને તેના પિયર મોકલી આપી હતી.
પોલીસ કાર્યવાહી
પોતાનું ઘર તૂટતા અને સતત માનસિક ત્રાસથી કંટાળેલી પીડિતાએ આખરે હિંમત ભેગી કરી પરિવારને જાણ કરી હતી. ઉના પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી દિલીપ સાંખટને દબોચી લીધો છે. હાલ આરોપીને જેલ હવાલે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:Deesa: જલાણી કોમ્પ્લેક્સમાં પ્રોટેક્શન દીવાલ ધરાશાયી, રાત્રિનો સમય હોવાથી મોટી હોનારત ટળી