અમદાવાદ: શહેરમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં બેંકના જવાબદાર કર્મચારીઓ જ ઠગ ટોળકી સાથે મળેલા હતા. સ્ટોક માર્કેટમાં ઉંચા વળતરની લાલચ આપી ગ્રાહકો સાથે 1.54 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
બેંકના કર્મચારીઓ જ ઠગ ટોળકી સાથે મળેલા
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ કૌભાંડમાં કુલ 5 આરોપીઓ સંડોવાયેલા છે, જેમાંથી 3 આરોપીઓ ઇન્ડસઇન્ડ બેંક (IndusInd Bank) સાથે સંકળાયેલા છે. આ કર્મચારીઓ અને અધિકારીઓ બેંકના ડેટાબેઝમાંથી ગ્રાહકોની ગુપ્ત માહિતી મેળવતા હતા અને તેમાં છેડછાડ કરીને ઠગ ટોળકીને પૂરી પાડતા હતા. આ માહિતીના આધારે ગ્રાહકોનો સંપર્ક કરી તેમને રોકાણ માટે લલચાવવામાં આવતા હતા.










