સાબરકાંઠાના હિંમતનગરના ધાણધા ગામ નજીકથી ચારેક દિવસ અગાઉ મળી આવેલી 55 વર્ષીય ગોપાલભાઈ ઓડની લાશ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેને કુદરતી મોત માનવામાં આવતું હતું, તે વાસ્તવમાં એક સુનિયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું છે. સાબરકાંઠા SOG એ તપાસ કરી મૃતકના પુત્ર અને ભત્રીજાની ધરપકડ કરી છે.


પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાની પુષ્ટિ 

ચારેક દિવસ પહેલા ધાણધા નજીકથી ગોપાલભાઈની લાશ મળી હતી. લાશ પર શંકાસ્પદ નિશાન હોવાથી પોલીસે એફએસએલ (FSL) અને પોસ્ટમોર્ટમની મદદ લીધી હતી. રિપોર્ટમાં હત્યા થઈ હોવાની પુષ્ટિ થતા પોલીસે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતકનો પુત્ર મિતેશકુમાર ગોપાલભાઈ ઓડ અને તેનો ભત્રીજો ઈશ્વર શામળભાઈ ઓડ આ ગુનામાં સામેલ હતા.

હત્યા પાછળનું કારણ

પોલીસ પૂછપરછમાં હત્યારા પુત્રએ કબૂલાત કરી હતી કે તે BSCમાં અભ્યાસ કરી રહ્યો છે. ઘરમાં સતત થતો ઘરકંકાસ અને તેના અભ્યાસમાં પિતા દ્વારા કરવામાં આવતી કનડગતથી તે કંટાળી ગયો હતો. આ આવેશમાં આવીને તેણે અને તેના ભત્રીજાએ પિતા પર બોથડ પદાર્થ વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પોલીસ કાર્યવાહી

SOG પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બંને આરોપીઓને દબોચી લીધા છે. પિતાની હત્યા કરીને લાશને ફેંકી દેનાર પુત્ર અને તેના ભત્રીજાને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે. એક જ ક્ષણના ઉશ્કેરાટ અને ઘરકંકાસમાં હસતો-ખેલતો પરિવાર વિખેરાઈ ગયો છે અને પુત્રના હાથે જ પિતાનું લોહી રેડાયું છે.

આ પણ વાંચો:Surat: ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, લિફ્ટમાં ફસાયેલા 3 લોકોનું ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યુ કર્યું

  • Follow us on: