શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી જય શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટમાં આજે બપોરે અચાનક આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. માર્કેટના ધાબા પર આવેલા કાપડના ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.


ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા ભયનો માહોલ

બપોરે અંદાજે 12:30 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને આગનો કોલ મળ્યો હતો. શરૂઆતમાં ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આગની ગંભીરતા જોતા તાત્કાલિક અન્ય 8 ગાડીઓ સહિત કુલ 14 ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી. માર્કેટના ધાબા પર કાપડનું ગોડાઉન પતરાથી પેક હોવાથી ધુમાડો બહાર નીકળી શકતો ન હતો, જેના કારણે કામગીરીમાં મુશ્કેલી પડી હતી.

3 લોકોનું સફળ રેસ્ક્યુ

જ્યારે માર્કેટમાં આગ લાગી ત્યારે અફરાતફરી વચ્ચે 3 લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા. આગના કારણે લિફ્ટ બંધ થઈ જતાં અને ધુમાડો ફેલાતા તેમના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, ફાયર વિભાગના જવાનોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તેમનું રેસ્ક્યુ કરી સલામત રીતે નીચે ઉતાર્યા હતા.

ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો 

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે માર્કેટનું આખું ધાબું પતરાથી બંધ હાલતમાં હતું અને ત્યાં કાપડનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે અને હવે કૂલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખોનું કાપડ બળીને ખાખ થઈ ગયું છે.

આ પણ વાંચો: Banaskantha: પિયરમાં રહેલી પત્ની અને તેના પરિવાર પર હુમલો, 4 સામે ગુનો દાખલ


  • Follow us on: