શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હેઠળ આવતા બહેરામપુરા વિસ્તારમાં ગત રાત્રે ચકચારી હત્યાની ઘટના બની છે. બહેરામપુરા પોલીસ ચોકીની નજીક જ 19 વર્ષીય યુવાન હિમેશ પરમારની અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.


પોલીસ ચોકી પાસે જ હત્યાનો બનાવ

મળતી માહિતી મુજબ, આ લોહીયાળ ઘટના ગત રાત્રે અંદાજે 10:00 વાગ્યાની આસપાસ બની હતી. મૃતક હિમેશ પરમાર પોતાનું વાહન લઈને બહેરામપુરા પોલીસ ચોકી પાસેથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેને નિશાન બનાવ્યો હતો. યુવાનો વચ્ચે અંદરોઅંદર થયેલી કોઈ બબાલને કારણે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. હુમલાખોરોએ હિમેશ પર ધારદાર હથિયારો વડે અનેક ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

LG હોસ્પિટલમાં PM અને પોલીસ તપાસ

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે LG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળ પરથી મહત્વના પુરાવા એકત્ર કરવા માટે FSL (Forensic Science Laboratory) ની ટીમની પણ મદદ લીધી છે.

શંકાસ્પદો પર પોલીસની નજર

કાગડાપીઠ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા મૃતકના માતા-પિતા અને મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમુક શંકાસ્પદ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે, પરંતુ પોલીસ હાલમાં ચોક્કસ પુરાવા એકત્ર કરી રહી છે જેથી આરોપીઓને કાયદાના સકંજામાં લઈ શકાય.

આ પણ વાંચો: Vav-Tharad: દારૂ ભરેલી કાર પલટી જવાનો કેસ, અકસ્માત નહીં પણ 'હત્યા'નો પરિવારનો આક્ષેપ

  • Follow us on: