રાજ્યની સરકારી અને કેટલીક ખાનગી યુનિવર્સિટીઓમાં યુજી કોર્સમાં પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવા માટે ફાઈનલ ફોર્મ સબમિટ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 2.80 લાખે પહોંચી છે. જેમાં 15 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે અઢી લાખ જ્યારે 20 ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે 30 હજાર વિદ્યાર્થીએ ચોઈસ આપી છે. સૌથી વધુ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે 72 હજાર જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. જીકાસના કાર્યક્રમ મુજબ શુક્ર અથવા તો શનિવારે વિદ્યાર્થીઓને કોલેજ એલોટ કરવામાં આવશે.

જીકાસ પોર્ટલ મારફતે પ્રક્રિયા હાથ ધરાઈ

રાજ્યની યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ મારફતે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. આ પ્રક્રિયામાં ચાલુ વર્ષે સતત તમામ રાઉન્ડ પહેલાં રજિસ્ટ્રેશન ચાલુ રાખવામાં આવશે. જોકે આજે 28મી મેના રોજ પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ દરમિયાન કુલ 3.45 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 3.10 લાખથી વધુએ ફી ભરી તેમજ 2.85 લાખથી વધુ વિદ્યાર્થીએ ચોઈસ આપી હતી.પરંતુ ફાઈનલ ફોર્મ સબમિટ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2.80 લાખ નોંધાઈ છે.

સરકારી યુનિવર્સિટીઓમાં 2.50 લાખ જેટલા વિદ્યાર્થી નોંધાયા

જેમાં સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે 2.50 લાખ જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. જેમાં સૌથી વધુ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે 72 હજાર જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. એ સિવાય નરસિંહ મહેતા યુનિવર્સિટી માટે 17 હજાર, જીટીયુમાં 12500, એચએનજીયુમાં 40 હજાર, ભાવનગર યુનિવર્સિટીમાં 13 હજાર, સરદાર પટેલમાં 23 હજારથી વધુ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 41 હજાર, ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં 30 હજાર, એમએસયુમાં 24 હજાર અને વીર નર્મદ યુનિવર્સિટીમાં 62500 જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. ખાનગી યુનિવર્સિટીઓની વાત કરવામાં આવે તો સૌથી વધુ એલ.જે. યુનિવર્સિટીમાં 5872 અને સિલ્વર ઓકમાં 4610 વિદ્યાર્થી નોંધાયા છે. સૌથી ઓછા સાંકળચંદ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે માત્ર 17 જ વિદ્યાર્થીએ પસંદગી આપી છે.

આ પણ વાંચોઃ Junagadh News: ગીરમાં વધુ 1 સિંહનું મોત, CDV વાયરસની આશંકાથી ખળભળાટ