ગીર પૂર્વના જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર હેઠળ રહેલા વધુ એક સિંહનું મોત થતા ગીરમાં સિંહોના મોતનો મામલો વધુ ગંભીર બન્યો છે. અગાઉ વન વિભાગ દ્વારા બેબસિયા રોગની અસર હોવાનું જણાવાયું હતું. પરંતુ હવે ચેપી CDV વાયરસની આશંકાને પગલે સિંહોના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બોર્ડર વિસ્તારમાં સિંહોના ટપોટપ મોત થતા વન વિભાગ દોડતું થયું છે. ગાંધીનગરથી પીસીસીએફ અધિકારીઓની ટીમ સાથે જસાધાર દોડી આવ્યા છે.

વિશેષ સ્ક્રીનીંગ અને મોનીટરીંગ હાથ ધરાયું

મુખ્યમંત્રી સ્તરે ઉચ્ચસ્તરીય બેઠક બાદ ગાંધીનગરથી પીસીસીએફ જયપાલસિંહ સહિત ઉચ્ચ અધિકારીઓ અને સિનિયર વેટરનરી ડોક્ટરોની ટીમ જસાધાર પહોંચી હતી. ટીમ દ્વારા જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રહેલા સિંહોની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અસરગ્રસ્ત વિસ્તારમાંથી 17 સિંહને કોરેન્ટાઈન કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે અંદાજે 8 સિંહોમાં ચેપ જેવા લક્ષણો જોવા મળતા તંત્ર વધુ સાવચેત બન્યું છે. જસાધાર, બાબરીયા અને જામવાળા રેન્જ વિસ્તારમાં વિશેષ સ્ક્રીનીંગ અને મોનીટરીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

સિંહોના ગૃપને ક્વોરેન્ટેન કરી દેવામાં આવી રહ્યા છે

સિંહોના સતત વધી રહેલા મોત વચ્ચે અધિકારીઓએ મિડિયા સાથે વિગતવાર વાતચીત ટાળતા અનેક સવાલો ઊભા થયા છે. હાલ ગીર વિસ્તારમાં વન વિભાગ દ્વારા સઘન તપાસ અને દેખરેખ ચાલુ રાખવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનામાં અગાઉ વન વિભાગ દ્વારા બેબસિયા રોગથી સિંહના મૃત્યુ થયું હોવાનું જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ રોગ નથી જે સિંહને તેને અસર થઈ હોય તેમાંથી બીજા કોઈને અસર થતી નથી. પરંતુ બાદમાં સિંહણની અંદર ખતરનાક સીડીવી વાયરસના લક્ષણો જણાવ્યા હતા અને આ રોગ ચેપી હોવાથી આખા સિંહોના ગૃપને ક્વોરેન્ટેન કરી દેવામાં આવી રહ્યા છે.

અધિકારીઓની ટીમ જસાધાર પહોંચી છે

ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં સી.ડી.વી. જેવા ભેદી રોગની આશંકા વચ્ચે વન વિભાગ દોડતું થયું છે. ગાંધીનગરથી પી.સી.સી.એફ. જયપાલસિંહ સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચી હતી. રાજન જાદવ સહિત એક એ.સી. એફ.. પાંચ આર.એફ.ઓ. તેમજ અગિયાર ફોરેસ્ટરને તાત્કાલિક ફરજ પર મૂક્યા છે. આ ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સિંહોની હિલચાલ, સ્વાસ્થ્ય અને સંક્રમણની સ્થિતિ પર સતત નજર રાખશે.


આ પણ વાંચોઃ Ahmedabad News: 343 પોલીસ ડ્રાઈવરોની બદલી, કમિશનરે કર્યો આદેશ