અમદાવાદ શહેર પોલીસ વિભાગમાંથી વહીવટી સ્તરે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો, ઝોન કચેરીઓ અને અલગ-અલગ શાખાઓમાં ફરજ બજાવતા પોલીસકર્મી ડ્રાઇવરોની મોટા પાયે બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરના આ આદેશને પગલે સમગ્ર પોલીસ વિભાગમાં ભારે દોડધામ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
343 પોલીસ ડ્રાઇવરોની આંતરિક બદલી
મળતી વિગતો અનુસાર, પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશમાં કુલ 343 જેટલા ડ્રાઇવર પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સરકારી વાહનો ચલાવતા ડ્રાઇવરો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની કચેરીઓ અને અલગ-અલગ સ્ક્વોડમાં કાર્યરત ડ્રાઇવર કર્મચારીઓનો સમાવેશ થાય છે.
