અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા પવિત્ર યાત્રાધામ ઉમિયાધામ ખાતે એક ભવ્ય અને મહત્વનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગરિમામય ઉપસ્થિતિ અને આગેવાની હેઠળ યોજાયો હતો. આ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો તેમજ પાટીદાર સમાજના ટોચના ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નીતિન પટેલે માર્મિક નિવેદન આપ્યું
આ મંચ પરથી ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા નીતિન પટેલે સમાજના સંગઠન અને પ્રગતિને લઈને એક અત્યંત મહત્વનું અને માર્મિક નિવેદન આપ્યું છે, જે હાલ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે.
એકબીજાના પગ ખેંચવાની વૃત્તિમાંથી બહાર આવવું પડશે
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદની અને સમાજના અગ્રણીઓને સંબોધિત કરતી વખતે નીતિન પટેલે પાટીદાર સમાજના વિકાસની નવી દિશા પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજના લોકોને ખુલ્લા મનથી અપીલ કરતા જણાવ્યું હતું કે, "જો આપણો કોઈ એક ભાઈ પ્રગતિ કરીને આગળ જતો હોય, તો તેની ઈર્ષા કરવી જોઈએ નહીં. આપણે એકબીજાના પગ ખેંચવાની વૃત્તિમાંથી બહાર આવવું પડશે." નીતિન પટેલે સામાજિક એકતાનો પાઠ ભણાવતા ઉમેર્યું કે, જ્યારે સમાજનો કોઈ વ્યક્તિ આગળ વધે છે ત્યારે સમગ્ર સમાજનું ગૌરવ વધે છે.
મને આનંદ છે કે આપણે ત્યાં એવું નથી
પોતાના સંબોધનને આગળ ધપાવતા તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, "મને એ વાતનો ઘણો આનંદ છે કે આપણા સમાજમાં અત્યારે એવું નકારાત્મક વાતાવરણ નથી." પાટીદાર સમાજ હંમેશા એકબીજાને મદદરૂપ થતો આવ્યો છે અને આગામી સમયમાં પણ આ એકતા વધુ મજબૂત બનશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં નીતિન પટેલ દ્વારા કરાયેલી આ સામાજિક ટકોર અને અપીલ ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો---- Gujarat : ખુરશી મંગલમ્, ગુજરાતના શહેરોમાં નવા પદાધિકારીઓનો 'પહેલો દિવસ, પહેલો શો', વાંચો ખાસ અહેવાલ