રાજ્યમાં વધતી ગરમી હવે લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો બની રહી છે.તા.1 મે થી તા.23 મે દરમિયાન રાજ્યભરમાં 108 ઈ મરજન્સી સેવા પાસે ગરમી સંબંધિત કુલ 2119 ઈમરજન્સી કેસ આવ્યા છે.આંકડા મુજબ સૌથી વધુ 1825 કેસ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ (GE) અને ડિહાઈડ્રેશનના નોંધાયા છે.જ્યારે 135 કેસ હીટ ઇલનેસના હતા.ઉપરાંત 101 લોકોને ગંભીર પેટનો દુખાવો, 28 લોકોને ભારે તાવ, 12 લોકો બેભાન હાલતમાં અને 9 લોકોને માનસિક સ્થિતિમાં ફેરફાર જેવી તકલીફો સાથે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

ડિહાઈડ્રેશન અને હીટ સ્ટ્રોકનો ખતરો

છેલ્લા 23 દિવસના આંકડા મુજબ રાજ્યમાં દરરોજ સરેરાશ 92થી વધુ હીટ સંબંધિત ઈમરજન્સી નોંધાઈ રહી છે.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ 432 કેસ નોંધાયા હતા.સુરતમાં 246, વલસાડ જિલ્લામાં 113, છોટાઉદેપુરમાં 109 અને વડોદરામાં 89 હીટ સંબંધિત કેસ નોંધાયા છે.તાપી જિલ્લામાં 85 અને કચ્છમાં 80 કેસ સામે આવ્યા છે.નિષ્ણાતોનું માનવું છે કે વધુ ભેજવાળા વિસ્તારોમાં ડિહાઈડ્રેશન અને હીટ સ્ટ્રોકનો ખતરો વધારે રહે છે.

ખુલ્લામાં કામ કરતા લોકો સૌથી વધુ અસરગ્રસ્ત

રાજ્યમાં ગરમીના કારણે ખાસ કરીને સમય સુધી ખુલ્લામાં કામ કરતા લોકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે.ગુજરાતમાં તા.14 મેના રોજ રાજ્યમાં સૌથી વધુ 141 હીટ સંબંધિત ઇમરજન્સી કેસ નોંધાયા હતા.જેમાં 120 કેસ ડિહાઇડ્રેશન અને GEના,9 કેસ હીટ ઇલનેસના,9 અસહ્ય પેટના દુખાવાના અને ઝાડા-ઉલટીના 3 કેસ નોંધાયા હતા.જ્યારે તા.11 મેના રોજ 119 અને તા.13 મેના રોજ 116 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં ગરમીનો કહેર યથાવત, આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે