28 ઓક્ટોબરના રોજ દેશ અને ગુજરાતમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ પર સૌની નજર રહેશે. બંગાળની ખાડીમાં પ્રચંડ બનેલા ચક્રવાત અર્નબથી લઈને ભાજપની પદયાત્રા, કેન્દ્રીય કેબિનેટની બેઠક, ચૂંટણી પંચની તૈયારીઓ અને ગુજરાતના વિવિધ કાર્યક્રમો દિવસભર ચર્ચામાં રહેશે. જાણો આવતીકાલના મુખ્ય સમાચાર અને મહત્વના અપડેટ્સ.

બંગાળની ખાડીમાં વાવાઝોડું અર્નબ પ્રચંડ બન્યું

બંગાળની ખાડીમાં વાવાઝોડું અર્નબ પ્રચંડ બન્યું છે. 28 ઓક્ટોબરની સવારે આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા નજીક ટકરાવાની શક્યતા છે. ચક્રવાતની ઝડપ 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અત્યાર સુધી 89,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પૂરનું જોખમ હોવાથી એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે અને શાળાઓ બંધ રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી તેની અસર જોવા મળી શકે છે.

દિલ્હીમાં ભાજપની વિશાળ પદયાત્રા

ઇન્ડિયા બ્લોકના વિરોધના જવાબમાં ભાજપ દ્વારા દિલ્હીમાં કાઉન્ટર આંદોલન યોજવામાં આવશે. ભાજપના અધ્યક્ષ નિતિન નવીનના નેતૃત્વમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રા યોજાશે. સાંજે 4 વાગ્યે લાલ કિલ્લાથી ટાઉન હોલ સુધી પદયાત્રા નીકળશે.

વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 28 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે. બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પર મહોર લાગી શકે છે. બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે.

5 રાજ્યોની ચૂંટણીની તૈયારીમાં ચૂંટણી પંચ

ચૂંટણી પંચે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણી પંચની ઉચ્ચ સ્તરીય ટીમ 28 ઓક્ટોબરે પંજાબના પ્રવાસે જશે. 2 દિવસના આ પ્રવાસ દરમિયાન 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી અને સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.

સોનિયા ગાંધીના મતદાર યાદી વિવાદમાં સુનાવણી

સોનિયા ગાંધીના મતદાર યાદી વિવાદમાં 28 ઓક્ટોબરે ફરી સુનાવણી થશે. નાગરિકતા પહેલાં મતદાર બનવાના આરોપ મામલે અગાઉ મળેલી રાહત રાઉઝ એવન્યુ કોર્ટે પલટાવી છે. હવે એસીજેએમ કોર્ટમાં નવા સિરેથી સુનાવણી હાથ ધરવામાં આવશે.

દિલ્હીમાં 47 લાખ મતદારોના નામ હટાવવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

દિલ્હીમાં એસઆઈઆર હેઠળ 47 લાખથી વધુ મતદારોના નામ હટાવવાના મામલે 28 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. મતદાર યાદીમાંથી હટાવવામાં આવેલા નામોમાં મોટા રાજકીય અને જાહેર જીવનના લોકોના નામ પણ સામેલ હોવાનું જણાવવામાં આવ્યું છે.

રાજનાથ સિંહ ફિલિપાઇન્સના પ્રવાસે

રક્ષા મંત્રી રાજનાથ સિંહ 28 અને 29 ઓક્ટોબરે ફિલિપાઇન્સના સેબુમાં યોજાનારી 13મી એડીએમએમ-પ્લસ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેઓ પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓ પર સંબોધન કરશે. દ્વિપક્ષીય બેઠકોમાં સંરક્ષણ સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા અંગે ચર્ચા થશે.

નિતિન નવીનના ગોવા પ્રવાસનો બીજો દિવસ

ભાજપના અધ્યક્ષ નિતિન નવીનના ગોવા પ્રવાસનો 28 ઓક્ટોબરે બીજો દિવસ રહેશે. તેઓ સવારે પણજીના શ્રી મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કરશે. ત્યારબાદ સવારે 9:45 વાગ્યે ભાજપના રાજ્ય મુખ્યાલય ‘અટલ ભવન’માં યુવાનો સાથે ‘યુવા સંવાદ’ કાર્યક્રમમાં ભાગ લેશે અને આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરશે.

વડોદરામાં મુખ્યમંત્રીની આગેવાનીમાં ભાજપની પદયાત્રા

વડોદરામાં ‘લોકતંત્ર બચાવો’ ઝુંબેશ અંતર્ગત 28 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં વિશાળ પદયાત્રા યોજાશે. નવલખી મેદાનથી શરૂ થનારી આ પદયાત્રામાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાશે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયા બાદ પદયાત્રા નવલખી મેદાન ખાતે જ પૂર્ણ થશે.

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ બેઠક

ગિરનારની લીલી પરિક્રમાના આયોજનને લઈને 28 ઓક્ટોબરે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં સાધુ-સંતો, અન્નક્ષેત્રો, ઉતારા મંડળો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેશે. લાખો શ્રદ્ધાળુઓને સુવ્યવસ્થિત વ્યવસ્થા મળી રહે તે માટે તંત્ર દ્વારા કરવામાં આવનાર આયોજન અંગે ચર્ચા થશે.

ગાંધીનગરમાં પેરા એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓનું સન્માન

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર દ્વારા 28 ઓક્ટોબરે એશિયન પેરા ગેમ્સ 2026ના મેડલ વિજેતા ખેલાડીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે. એસએઆઈ ગાંધીનગરના 3 રમતવીરો મેડલ જીતીને 2 દિવસ પહેલાં જ પરત ફર્યા છે.

વન રક્ષકો ગ્રેડ પે સહિતની માંગણીઓ સાથે ધરણા કરશે

ચૂંટણી પહેલાં વન વિભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે આગળ વધી રહ્યા છે. વન રક્ષકો ગ્રેડ પે સહિતની 5 માંગણીઓને લઈને 28 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણા કાર્યક્રમ યોજશે. કર્મચારીઓની માંગણીઓ અને આંદોલનને લઈને તંત્રનું વલણ કેવું રહેશે તે જોવાનું રહેશે. 


આ પણ વાંચો :    Sandesh Digital Explainer : વોટની સાથે નોટની પણ લડાઈ, અમેરિકાની ચૂંટણીમાં અબજોપતિઓનું કરોડોનું દાન, વાંચો રસપ્રદ માહિતી