શહેરના આંબાવાડી અને પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા માર્બલના વેપારીના ઘરે થયેલી ચોરી અને હુમલાની ઘટનામાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. પોલીસે આ ગુનામાં મુખ્ય આરોપી શંકર આગ્યાપ્રસાદ સહિત તેના બે મિત્રો આકાશ ઠાકુર અને આયાઝ અહેમદ રિયાઝ અહેમદની ધરપકડ કરી છે.

પ્લાનિંગ સાથે આચરી ચોરી

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ૪ મેના રોજ ચોરી કરવાનું અગાઉથી જ પ્લાનિંગ કર્યું હતું. તેઓએ અગાઉથી જ મકાનની રેકી કરી હતી. ચોરી દરમિયાન આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે ઘરના સીસીટીવી (CCTV) પણ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, ચોરીમાં અવરોધ બનતા મકાન માલિકના પિતા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

ડ્રાઈવરની સતર્કતાથી આરોપીઓ પકડાયા

જ્યારે આરોપીઓ ચોરી કરીને ભાગવાની પેરવીમાં હતા, ત્યારે મકાન માલિકના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી હતી. ડ્રાઈવરને શંકા જતાં તેણે તુરંત હિલચાલ નોંધી હતી અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમે બાતમી મળતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્રણેય આરોપીઓને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા.

મુદ્દામાલ જપ્ત અને પોલીસ તપાસ

પોલીસે આરોપીઓ પાસેથી ₹૨૬ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. ઘટનાસ્થળેથી પોલીસને અંજની કુરિયરની એક ફાટેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી, જે તપાસમાં મહત્વનો પુરાવો સાબિત થઈ છે. મુખ્ય આરોપી શંકર અગાઉ દિલ્હીમાં સાયબર કાફે ચલાવતો હોવાનું પણ બહાર આવ્યું છે.

આ પણ વાંચો: Banaskantha: પાલનપુરના ચડોતર ગામે ખેતરના સેઢેથી મળી આવી ત્યજી દેવાયેલી નવજાત બાળકી