ગુજરાત એટીએસ (ATS) એ નશાના સોદાગરો વિરુદ્ધ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુજરાત અને રાજસ્થાન ATS ના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાન સરહદથી ભારતમાં ઘુસાડવામાં આવેલું 5 કિલો હાઈ-ક્વોલિટી મેથામ્ફેટામાઇન (MD) ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ મામલે રાજસ્થાન બોર્ડર પાસેથી બે આરોપીઓની ધરપકડ કરી ડ્રગ્સના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાન બોર્ડરથી ઘુસાડવામાં આવી રહ્યું હતું ડ્રગ્સ

મળતી માહિતી મુજબ, ગુજરાત ATS ને ચોક્કસ બાતમી મળી હતી કે પાકિસ્તાનથી રાજસ્થાન બોર્ડર મારફતે ડ્રગ્સનો એક મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ગુજરાત અને રાજસ્થાન એટીએસ ની ટીમોએ સરહદી વિસ્તારમાં ફિલ્ડિંગ ગોઠવી હતી. તપાસ દરમિયાન 5 કિલો MD ડ્રગ્સ સાથે બે આરોપીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ ડ્રગ્સનો જથ્થો સરહદ પારથી આવ્યો હોવાની પુષ્ટિ થઈ છે.

આંતરરાજ્ય કનેક્શન અને મોટા ખુલાસાની શક્યતા

પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સ કેસના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સ ગુજરાતના કયા શહેરોમાં સપ્લાય થવાનું હતું અને આ નેટવર્ક પાછળ કયા મોટા માથાઓનો હાથ છે, તે દિશામાં એટીએસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આ મામલે આગામી સમયમાં અન્ય રાજ્યોમાંથી પણ ધરપકડો થઈ શકે છે.

આ પણ વાંચો: Junagadh: અંબાજીની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર, ભારે પવનના કારણે ગિરનાર રોપવે સેવા બંધ