કેન્દ્ર સરકાર અને પોલીસની વારંવારની જાગૃતિ ઝુંબેશ છતાં, સાયબર ગઠિયાઓ નિર્દોષ નાગરિકોને શિકાર બનાવવામાં સફળ રહ્યા છે. અમદાવાદમાં એક વૃદ્ધને 'ડિજિટલ અરેસ્ટ' કરી માત્ર 10 જ દિવસમાં રૂપિયા 7 કરોડ 12 લાખ પડાવી લેવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે સપાટો બોલાવી ગેંગના 12 સાગરીતોની ધરપકડ કરી છે.
એક વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 7 કરોડ 12 લાખ પડાવ્યા
ગઠિયાઓએ વૃદ્ધને ફોન કરી પોતે TRAI અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની ઓળખ આપી હતી. આરોપીઓએ વૃદ્ધને ડરાવ્યા હતા કે તેઓ મની લોન્ડરિંગ જેવી ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 'ઈડી (ED) વેરીફિકેશન'ના બહાને વૃદ્ધના બેંક એકાઉન્ટની વિગતો મેળવી લેવામાં આવી હતી. ગઠિયાઓએ વિશ્વાસ અપાવ્યો હતો કે વેરીફિકેશન બાદ તમામ રકમ પરત કરી દેવાશે, જેના કારણે વૃદ્ધે 10 દિવસમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.
ચાઈનીઝ ગેંગ અને ક્રિપ્ટોકરન્સીનું કનેક્શન
સાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસો થયો છે કે આ કૌભાંડના તાર છેક કંબોડિયા અને ચીન સુધી જોડાયેલા છે. હિતેન્દ્ર સોલંકી અને નયન પટેલ રાજસ્થાનના એક વ્યક્તિના સંપર્કમાં હતા, જે બેંક એકાઉન્ટ પૂરા પાડતો હતો. જમા થયેલા રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર થતા હોવાની આશંકા છે.જનક ગઢાદરા અને અનિકેત ઢોલા નામના આરોપીઓ સીધી રીતે ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે.
પોલીસની કાર્યવાહી અને 'ઓપરેશન મ્યુલ હંટ
સાયબર ક્રાઇમે બિહાર, આસામ અને દિલ્હીના બેંક એકાઉન્ટ્સ ટ્રેસ કરીને તપાસ તેજ કરી હતી. ઝડપાયેલા 12 આરોપીઓ પાસેથી 16 મોબાઈલ ફોન, રૂપિયા 1.73 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં એવું પણ સામે આવ્યું કે આરોપીઓ 'ઓપરેશન મ્યુલ હંટ' (બેંક એકાઉન્ટ ભાડે આપતા એજન્ટો વિરુદ્ધની ઝુંબેશ) થી માહિતગાર હતા, છતાં લાલચમાં આવી આ ગુના આચરતા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ
દશરથ નાયક, બ્રીજેશ શાહ, હિતેન્દ્ર સોલંકી, વિજય કોરી, નયન પટેલ, જલદીપ ડાખરા, રોહન પટેલ, સુનીલ ધામેચા, જનક ગઢાદરા, રાહુલ મોરડીયા, અનિલ મોરડીયા અને અનિકેત ઢોલા.
આ પણ વાંચો: રેલવે ડિવિઝનમાં ચેઇન પુલિંગનો આતંક, વર્ષ 2025માં લોકો પાસેથી 5.65 લાખનો દંડ વસૂલ્યો