ટ્રેનમાં મુસાફરી દરમિયાન સાંકળ ખેંચવી (Alarm Chain Pulling - ACP) એ માત્ર આપાતકાલીન સ્થિતિ માટેની સુવિધા છે, પરંતુ અમદાવાદ મંડળમાં તેનો દુરુપયોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વર્ષ 2025ના આંકડાઓ મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં કુલ 2,047 ચેઇન પુલિંગની ઘટનાઓ નોંધાઈ છે, જેણે રેલવે તંત્રની દોડધામ વધારી દીધી છે.
બિનજરૂરી ચેઇન પુલિંગ અને રેલવેની કાર્યવાહી
કુલ ઘટનાઓમાંથી 1,855 કેસ બિનજરૂરી ચેઇન પુલિંગના હતા, જે સાબિત કરે છે કે મોટાભાગના કિસ્સાઓમાં કોઈ ગંભીર કારણ વગર જ સાંકળ ખેંચવામાં આવી હતી. આ મામલે રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે 1,813 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.કુલ ₹5.65 લાખથી વધુનો દંડ ગુનેગારો પાસેથી વસૂલવામાં આવ્યો છે.
કયા સ્ટેશનો અને સેક્શનમાં સૌથી વધુ કેસ?
રેલવેના રિપોર્ટ મુજબ, 1,142 ઘટનાઓ રેલવે સ્ટેશનો પર બની હતી, જ્યારે 905 ઘટનાઓ ચાલુ ટ્રેને સેક્શન (બે સ્ટેશન વચ્ચે) માં નોંધાઈ હતી. સૌથી વધુ અસરગ્રસ્ત સ્ટેશનો: અમદાવાદ, સાબરમતી અને મહેસાણા.સૌથી વધુ અસરગ્રસ્ત સેક્શન: ગેરતપુર–અમદાવાદ અને અમદાવાદ–વિરમગામ.અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક પ્રીમિયમ અને લાંબા અંતરની ટ્રેનોમાં ચેઇન પુલિંગનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે.આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, અરાવલી એક્સપ્રેસ.
રેલવે પ્રશાસનની અપીલ
બિનજરૂરી ચેઇન પુલિંગને કારણે માત્ર ટ્રેન મોડી પડતી નથી, પરંતુ તેની પાછળ આવતી અન્ય અનેક ટ્રેનોના શિડ્યુલ પર પણ માઠી અસર પડે છે. રેલવે પ્રશાસને મુસાફરોને નમ્ર અપીલ કરી છે કે એલાર્મ ચેઇનનો ઉપયોગ માત્ર અકસ્માત, તબીબી કટોકટી કે કોઈ મોટી આપાતકાલીન સ્થિતિમાં જ કરવો. બિનજરૂરી સાંકળ ખેંચવી એ રેલવે અધિનિયમ હેઠળ ગુનો છે અને તેના માટે જેલ કે દંડની સજા થઈ શકે છે.
આ પણ વાંચો: ટાઇફોઇડના 67થી વધુ કેસ નોંધાતા રાજ્ય સરકાર એક્શનમાં, હર્ષ સંઘવીએ યોજી તાકીદની બેઠક