રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરમાં ટાઇફોઇડના 67થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને લેતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને પદાધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે.
ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક ઉછાળો
ટાઇફોઇડના કેસોને નિયંત્રિત કરવા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે હર્ષ સંઘવીએ એક મહત્વની સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓને તાકીદે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં મુખ્યત્વે રોગચાળો ફેલાવવાના કારણો અને તેને રોકવા માટેના પગલાં પર ચર્ચા કરવામાં આવી હતી.
તંત્રના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
આ બેઠકમાં ગાંધીનગરના કલેક્ટર, મનપા કમિશનર અને મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મનપાના ચૂંટાયેલા પદાધિકારીઓને પણ બેઠકમાં બોલાવીને ફિલ્ડ લેવલ પર કામગીરી તેજ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
રોગચાળો રોકવા એક્શન પ્લાન
નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓએ અધિકારીઓને સૂચનાઓ આપી છે.દૂષિત પાણી અને ખાદ્ય પદાર્થોના સેમ્પલિંગની કામગીરી વધારવી.જે વિસ્તારોમાં કેસો વધુ છે ત્યાં સઘન સફાઈ અભિયાન હાથ ધરવું.નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગની ટીમોને કામે લગાડવી.
સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ
એકસાથે 67થી વધુ કેસો સામે આવતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા અપીલ કરવામાં આવી છે. પાટનગરમાં વધી રહેલો આ આંકડો તંત્ર માટે પડકારજનક સાબિત થઈ રહ્યો છે.
આ પણ વાંચો; સોમા તળાવ વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારી, કાયદો અને વ્યવસ્થાના ધજાગરા