અમદાવાદ ખાતે 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા' (ITPI) દ્વારા આયોજિત 74મી નેશનલ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર્સ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ થયો છે. ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય શહેરી બાબતોના સચિવ કે. શ્રીનિવાસે ભાર મૂક્યો હતો કે ભારતના શહેરી આયોજનમાં હવે શહેરની સીમાઓથી આગળ વધીને પબ્લિક, પ્રોડક્ટિવિટી અને ક્વોલિટી પર ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય છે. તેમણે જણાવ્યું કે આગામી દાયકાઓમાં ભારતની શહેરી વસ્તીમાં 35 થી 40 કરોડ લોકોનો ઉમેરો થવાની સંભાવના છે, ત્યારે શહેરોને માત્ર કોંક્રિટના જંગલો બનાવવાને બદલે સમયની બચત અને વધુ પ્રોડક્ટિવિટી આપે તેવા હબ તરીકે વિકસાવવા પડશે. આ ત્રણ દિવસીય ઇવેન્ટમાં દેશભરમાંથી 500થી વધુ નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.

શ્રીનિવાસનું મોટું નિવેદન

કોન્ફરન્સ દરમિયાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, કોઈ પણ શહેરનો એકલો વિકાસ શક્ય નથી, તેથી સંતુલિત વિકાસ માટે 'રીજીયોનલ પ્લાનિંગ' (પ્રાદેશિક આયોજન) કેન્દ્ર સ્થાને હોવું જોઈએ. પૂર્વ મ્યુનિસિપલ કમિશનર કેશવ વર્મા અને રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ પણ જીવનની ગુણવત્તા, હરિયાળી જગ્યાઓ અને લોકોની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો. કોન્ફરન્સમાં ખાસ કરીને રેપિડ ટ્રાન્ઝિટ કોરિડોર અને મેટ્રો શહેરોના આર્થિક વિકાસ અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. બીજા દિવસે આબોહવા સાક્ષરતા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો શહેરી આયોજનમાં ઉપયોગ અને ગુજરાતની 100 વર્ષની ટાઉન પ્લાનિંગ સ્કીમ્સના પાઠ પર સત્રો યોજાશે. આ કોન્ફરન્સના સમાપન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહી માર્ગદર્શન પૂરું પાડશે.