શહેરમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ને આવશ્યક ચીજવસ્તુ જાહેર કરી તેની ભરોસાપાત્ર વહેંચણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિ અને એલપીજી સપ્લાયના પડકારોને જોતા, અદાણી ગેસ, ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ જેવી એજન્સીઓ દ્વારા નવા કનેક્શન આપવા માટે કરવામાં આવેલી કુલ ૮૨૦ અરજીઓને રોડ ઓપનિંગ પરમિટ એટલે કે, રોડ ખોદવાની તાકીદે મંજૂરી આપી દેવાઈ છે. મ્યુનિ. કમિશનરે હાલની સ્થિતિને જોતા રોડ વિભાગને અડચણો દૂર કરવા પણ સૂચના આપી છે.
હોટલ એસોશિયેશન તરફથી સાનુકૂળ પ્રતિસાદ
ઝોન વાઈઝ વિગતો મુજબ, સૌથી વધુ રોડ ખોદવાની મંજૂરી ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૭૪ રોડ અને પશ્ચિમ ઝોનમાં ૧૫૫ રોડ માટે આપવામાં આવી છે. ખાસ કિસ્સામાં આ કામગીરી માટે એજન્સીઓ પાસેથી કોઈ પણ જાતના ચાર્જ વસૂલવામાં આવશે નહીં. જોકે, ખોદાણ બાદ રોડ રી-ઈન્સ્ટટમેન્ટની કામગીરી એજન્સીના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરની તમામ હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં એલપીજીના બદલે પીએનજી ગેસનો ઉપયોગ વધારવા માટે એસોશિયેશન સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં હોટલ એસોશિયેશન તરફથી સાનુકૂળ પ્રતિસાદ મળ્યો છે અને જે એકમો હજુ એલપીજી વાપરે છે તેમને પીએનજી ગેસમાં રૂપાંતરિત થવા સૂચના આપવામાં આવી છે.
