એપ્રિલ માસ ગુજરાત અને અમદાવાદ માટે અસહ્ય ગરમ મહિનો રહ્યો છે. જેમાં તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું હતું.આ માસમાં ગુજરાતમાં હીટ રિલેટેડ 1831 કેસ ઈમરજન્સી સેવા 108 માં નોંધાયા હતા.જેમાં ખૂબ જ વધારે કહી શકાય તેમ 84 લોકોને હીટ સ્ટ્રોકની અસર વર્તાતા તેઓને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હતા.જેમાંથી 11 કેસો અમદાવાદના છે.ગુજરાતમાં ગરમી દિમાગમાં ચઢી જવાના ત્રણ, ડિહાઈડ્રેશનના 46, ભારે તાવના 1569, પેટમાં અસહ્ય દુઃખાવાના 36 બેભાન થઈ જવાના 16 અને ઝાડા-ઉલટીના 76 કેસ નોંધાયા હતા.


વધારે મસાલાવાળો ખોરાક ખાવાનું ટાળવું

અમદાવાદ શહેર ગરમીમાં શેકાઈ રહ્યું છે.એપ્રિલમાં શહેરમાં ગરમીને લગતા 358 કેસોમાં 108 વાન સ્થળ પર બોલાવવી પડી હતી.ગરમીને લઈને આરોગ્ય વિભાગે એડવાઈઝરી બહાર પાડી છે.જેમાં તડકામાં નીકળતા પહેલા માથે કપડું બાંધવું, લીંબુ પાણી, ઓઆરએસ અને પાણી પીતા રહેવું. કાર્બોનેટેડ સોડા કે કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળવું, વધારે મસાલાવાળો ખોરાક ખાવાનું ટાળવું. વૃદ્ધોના રૂમને ૨૫ ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડો રાખવો અને હળવા રંગના સૂતરાઉ ઢીલા કપડાં પહેરવા જેવી સૂચના અપાઈ છે.

ગર્ભવતી મહિલાઓએ સતત પાણી પીવું જરૂરી

આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે કિડનીના દર્દીઓએ પાણી પીવાને લઈને ડૉક્ટરની સલાહ જરૂર લેવી.બાળકોએ ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું, તેમને ઢીલા અને હળવા રંગના કપડાં પહેરાવવા, તાપમાં ન નીકળવા દેવા અને આઉટડોર એક્ટિવિટી ટાળવી. જો બાળકનો સ્વભાવ ચિડચિડિયો થઈ જાય તો તેને ગંભીરતાથી લઈ ડૉક્ટરને બતાવવું. ગર્ભવતી મહિલાઓએ સતત પાણી પીવું જરૂરી છે, તરસ લાગવાની રાહ જોયા વગર થોડી થોડી વારે પાણી પીતા રહેવું વગેરે તકેદારીના પગલાં લેવા લોકોને જણાવાયું છે.

આ પણ વાંચોઃ Panchmahal : શિક્ષણ વિભાગમાં કરોડોનું ખરીદી કૌભાંડ, 2.79 કરોડનું ફૂલેકું, તત્કાલીન અધિકારીઓ સામે ફરિયાદ


  • Follow us on: