પંચમહાલ જિલ્લાના શિક્ષણ જગતને હચમચાવી દેતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. 'સમગ્ર શિક્ષણ' અભિયાન અંતર્ગત સાધનોની ખરીદીમાં કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોવાનો પર્દાફાશ થયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની તપાસમાં આ કૌભાંડ બહાર આવતાની સાથે જ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

માત્ર કાગળ પર ખરીદી, કરોડોના બિલ પાસ

વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન આચરાયેલા આ કૌભાંડમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તત્કાલીન હિસાબી અધિકારી પૂજન જોષી અને નીતિન પટેલના સમયગાળા દરમિયાન, સ્માર્ટ પેનલ, લેપટોપ અને એન્ટી-વાયરસ જેવી ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવી હોવાનું બતાવવામાં આવ્યું હતું. જોકે, વાસ્તવમાં કોઈ ખરીદી થઈ જ નહોતી. બનાવટી દસ્તાવેજો ઊભા કરી માત્ર કાગળ પર ખરીદી બતાવી ₹2.79 કરોડ ચાઉં કરી જવામાં આવ્યા હતા.

ખાનગી એજન્સીઓની મિલીભગત

આ કૌભાંડમાં કેટલીક ખાનગી એજન્સીઓ પણ સરકારી અધિકારીઓ સાથે હાથ મિલાવીને સામેલ હતી. જે.એસ. કોમ્પ્યુટર, શ્રી રામ એન્ટરપ્રાઈઝ, વેદિકા એન્ટરપ્રાઇઝીઝ અને અક્ષર સેફટી પ્રોડક્ટ જેવી એજન્સીઓના નામે ખોટા બિલો બનાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી.

 પોલીસ ફરિયાદ

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ સમગ્ર મામલે કડક વલણ અપનાવી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. શિક્ષણના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને પગલે સમગ્ર રાજ્યમાં આ કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે પોલીસ તપાસમાં વધુ કેટલાં ‘મોટા માથા’ઓના નામ બહાર આવે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો----     Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!