અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલ કુતુબનગરમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને ગમે તેવા મજબૂત કાળજાના માનવી પણ કંપી ઉઠે. વર્ષ 1992માં ગૂમ થયેલી ફરઝાના નામની મહિલાની હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આશરે 34 વર્ષ બાદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓએ મહિલાની હત્યા કરી લાશને ઘરના જ ખાળકૂવામાં 20 ફૂટ ઊંડે દાટી દીધી હતી.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મૂળ ધોળકાની ફરઝાના નામની મહિલાના પ્રથમ લગ્ન સુરત થયા હતા, પરંતુ એક વર્ષમાં છૂટાછેડા થતા તે શમશુદ્દીન નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ફરઝાના સેક્સ વર્કર તરીકે કામ કરતી હતી. વર્ષ 1992માં સાલિયા બીબી નામની મહિલાના ઘરે 4 લોકોએ ભેગા મળીને ફરઝાનાની ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ લાશને અગાઉથી જ તૈયાર રખાયેલા 20 ફૂટ ઊંડા ખાળકૂવામાં દાટી દઈ ઉપર પાકું બાંધકામ કરી દેવાયું હતું.
ભૂતિયા મકાનનું રહસ્ય અને ક્રાઈમ બ્રાન્ચની એન્ટ્રી
છેલ્લા કેટલાય વર્ષોથી સાલિયા બીબીનું આ મકાન ખાલી પડ્યું હતું. સ્થાનિકોમાં ચર્ચા હતી કે આ મકાનમાં કોઈ 'આત્મા'નો વસવાટ છે, જેના ડરથી કોઈ ત્યાં રહેવા આવતું નહોતું. જોકે, ક્રાઈમ બ્રાન્ચને મળેલી એક સચોટ બાતમીએ આ મિસ્ટ્રી પરથી પડદો ઉઠાવ્યો હતો. ગઈકાલે પોલીસે જેસીબીની મદદથી 20 ફૂટ ઊંડો ખાડો ખોદતા તેમાંથી માનવ કંકાલ અને અવશેષો મળી આવ્યા છે.
DNA ટેસ્ટથી થશે ઓળખ
ફરઝાનાના પરિવારને ત્રણ દાયકા સુધી તેની કોઈ ભાળ મળી નહોતી. હવે પોલીસે ફરઝાનાના ભાઈ સાથે DNA સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. એફ.એસ.એલ રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 34 વર્ષ જૂના આ 'કોલ્ડ કેસ'ના ખુલાસાએ સમગ્ર ગુજરાત પોલીસ બેડામાં ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો---- AMCની રિવ્યુ બેઠકમાં કમિશનરનું રૌદ્ર સ્વરુપ, DyMC ભરત પરમાર અને અમૃતેશનો જાહેરમાં લીધો ઉધડો