અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની મળેલી રિવ્યુ કમિટીની બેઠકમાં આજે ભારે ગરમાગરમી જોવા મળી હતી. શહેરના વિવિધ ઝોનમાં ચાલી રહેલા વિકાસકામો અને જનતાની ફરિયાદોના નિકાલ અંગે મ્યુનિસિપલ કમિશનર લાલઘૂમ જોવા મળ્યા હતા. કમિશનરે દક્ષિણ અને પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો ની કામગીરી પર સવાલ ઉઠાવી જાહેરમાં જ તેમનો ઉધડો લીધો હતો.
ઝોનની હદના બહાના પર કમિશનર અકળાયા
બેઠકમાં દક્ષિણ ઝોનની સોસાયટીઓમાં આવતા દૂષિત પાણીની ફરિયાદો અંગે કમિશનરે જવાબ માંગ્યો હતો. ત્યારે DyMC ભરત પરમારે ઉત્તર આપ્યો હતો કે જે સોસાયટીની ફરિયાદ છે તે દક્ષિણ ઝોનમાં આવતી નથી. અધિકારીનો આ જવાબ સાંભળી કમિશનર ઉકળી ઉઠ્યા હતા અને કામગીરીમાં ગંભીરતા રાખવા ટકોર કરી હતી. પૂર્વ અને દક્ષિણ ઝોનની ભેદરેખામાં જનતા હેરાન થતી હોવા છતાં અધિકારીઓ હદના બહાના કાઢતા કમિશનર આકરા પાણીએ જોવા મળ્યા હતા.
