પંચમહાલ જિલ્લાના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ વચ્ચે બની રહેલા નવા એક્સપ્રેસ હાઈવે પર એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી મરણ પ્રસંગમાં હાજરી આપીને વડોદરા પરત ફરી રહેલા એક જ પરિવારના પાંચ સભ્યોની કાર કાલોલના બલેટિયા ગામ પાસે પલટી મારી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.
ટ્રાયલ રન દરમિયાન સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે અને હાલમાં તેને ટ્રાયલ રન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વડોદરાના ખીનજી પરિવારના સભ્યો રાજસ્થાનથી વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે કાલોલ નજીક કાર પરનો કાબૂ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી. હાઈવે નવો હોવાથી અને પૂર ઝડપે વાહન હોવાથી અકસ્માત એટલો વિકરાળ હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.










