શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યસ્ત શ્યામલ ચાર રસ્તા પાસે આજે એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શ્યામલ ચાર રસ્તા નજીક આવેલા સાંગરીલા-2 નામના કોમ્પ્લેક્સના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ આગમાં પાર્કિંગમાં પાર્ક કરેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે.
પાર્કિંગમાં આગ લાગતા ભાગદોડ
મળતી માહિતી મુજબ, સાંગરીલા-2 કોમ્પ્લેક્સના પાર્કિંગ એરિયામાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની હતી. વાહનોમાં પેટ્રોલ અને ટાયર હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. કોમ્પ્લેક્સમાં રહેલા લોકો અને દુકાનદારોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા.
ફાયર બ્રિગેડની કામગીરી અને રસ્તો બંધ
ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને ફાયર ફાઈટરોની કામગીરીમાં અવરોધ ન આવે તે માટે પોલીસ દ્વારા શ્યામલ ચાર રસ્તાથી કોમ્પ્લેક્સ તરફનો એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
નુકસાન અને તપાસ
આ આગમાં અનેક ટુ-વ્હીલર અને સંભવિત ફોર-વ્હીલરને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. ફાયર વિભાગ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ તપાસ હાથ ધરશે.
આ પણ વાંચો: Surat: પશ્ચિમ બંગાળના 4000 મતદારો વતને રવાના, ઉધના સ્ટેશન પર 'બદલાવ'ના સૂત્રોચ્ચાર સાથે કામદારોમાં ઉત્સાહ