અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિકાસના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ગ્રાઉન્ડ રિપોર્ટ કંઈક જુદો જ ચિતાર રજૂ કરે છે. અમદાવાદના પશ્ચિમ ઝોનને જોડતા પાલડી વિસ્તારનો જલારામ અંડરપાસ હાલમાં વાહનચાલકો માટે ભારે આશીર્વાદને બદલે આફત સમાન બની ગયો છે. અંદાજે ૯૦ કરોડ રૂપિયાના માતબર ખર્ચે એએમસી અને મેટ્રો પ્રોજેક્ટના સંયુક્ત આયોજન હેઠળ બનેલો આ અંડરપાસ પ્રથમ વરસાદના આગમન પહેલાં જ બિસ્માર અને જોખમી હાલતમાં આવી ગયો છે, જેને કારણે તંત્રની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
રસ્તા પર સળિયા દેખાયા ને તંત્રએ માર્યું થીગડું
સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, ગઈકાલે આ અંડરપાસના મુખ્ય માર્ગ પરથી ડામર આખો ઉખડી ગયો હતો અને આરસીસી (RCC) સ્ટ્રક્ચરના લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા હતા. આ સળિયાના કારણે ખાસ કરીને ટુ-વ્હીલર (મોટરસાયકલ અને સ્કૂટર) ચાલકોના ટાયર સ્લિપ થવા અને ગંભીર અકસ્માત થવાની ઘટનાઓ બની રહી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં અને હોબાળો મચતાં જ જાગેલા કોર્પોરેશને રાતોરાત ડામરનું એક થીગડું (પેચવર્ક) મારીને કાગળ પર કામ પૂરું કરી દીધું છે. પરંતુ નાગરિકોનું કહેવું છે કે આ કામચલાઉ વ્યવસ્થા છે, જે ચોમાસાના પહેલા જ સામાન્ય વરસાદમાં ધોવાઈ જશે. અહીં સ્થિતિ 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી થઈ ગઈ છે.










