ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટોના એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. અમદાવાદ અને સુરતમાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં કુલ ₹2.90 કરોડની બનાવટી ચલણી નોટો ઝડપી પાડવામાં આવી છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આરોપીઓ ભારત સરકાર અને આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરીને આ કાળા કારોબારને અંજામ આપતા હતા.
સરકારી બોર્ડ વાળી ગાડીમાં હેરાફેરી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી આવતી એક શંકાસ્પદ ગાડીને આંતરી હતી. આ ગાડી પર 'ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા' (Government of India) લખેલું હતું અને તે 'સત્યમ યોગ ફાઉન્ડેશન'ની હોવાનું સામે આવ્યું છે. ગાડીમાં તપાસ કરતા તેમાંથી ₹2.10 કરોડની નકલી નોટો મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે પોલીસ ચેકિંગથી બચવા માટે આરોપીઓ આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ કરી સરકારી ગાડી હોવાનો ઢોંગ કરતા હતા.
