સાબરકાંઠા જિલ્લાની સરહદ નજીક આવેલા રાજસ્થાનના પિંડવાડા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સરૂપગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાવરી ઉપ-તહેસીલ પાસે બે ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક ટ્રક ચાલકનું કેબિનમાં જ જીવતા સળગી જવાથી કરુણ મોત નીપજ્યું છે.
બે ટ્રકો વચ્ચે ટક્કર બાદ આગ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભાવરી પાસે બે ટ્રકો સામસામે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ક્ષણવારમાં જ બંને વાહનોમાં આગની જ્વાળાઓ ઉઠવા લાગી હતી. જોતજોતામાં બંને ટ્રકો આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન એક ટ્રક ચાલકને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ તે આગની લપેટમાં આવી ગયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
