અમદાવાદમાં ફૂડ ક્વોલિટી અને હાઇજીન (સ્વચ્છતા) પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરની જાણીતી ફૂડ ચેઇન 'જય ભવાની વડાપાઉં'ની શાહીબાગ બ્રાન્ચમાં ગ્રાહકને અત્યંત કડવો અનુભવ થયો છે. મળતી માહિતી મુજબ, એક ગ્રાહકે આ સ્ટોરમાંથી વડાપાઉં અને પુલાવનો ઓર્ડર આપ્યો હતો. જોકે, પુલાવ ખાતી વખતે તેમાંથી જીવાત નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. આ ઘટનાને પગલે ગ્રાહકે તાત્કાલિક સ્ટોરના સંચાલકોનું ધ્યાન દોર્યું હતું.
જીવાતવાળો પુલાવ!
બ્રાન્ચ સંચાલકે પોતાની ભૂલ સ્વીકારીને ગ્રાહકને તે પુલાવના બદલામાં બીજો પુલાવ બદલી આપવાની વાત કરી હતી. પરંતુ, ગ્રાહકે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ફૂડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. લોકોના મનપસંદ ફૂડ સ્ટોરમાંથી આવી ઘટના બનતાં ગ્રાહકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં ખાદ્યપદાર્થોની શુદ્ધતા ચકાસવા માટે સત્તાવાળાઓ દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.













