શહેરના સંસ્કારધામ, ઘુમા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન, સંઘર્ષ અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને ઉજાગર કરતા મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ શૉને ભારતના આત્મવિશ્વાસ અને સંસ્કારની યાત્રા ગણાવી હતી.


મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ નમોત્સવ

આ મેગા ઈવેન્ટમાં જાણીતા હાસ્ય કલાકાર અને સાહિત્યકાર શ્રી સાઈરામ દવે સહિત કુલ 150 જેટલા કલાકારોએ પોતાની કલા દ્વારા વડાપ્રધાનના જીવનના વિવિધ પાસાઓને જીવંત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલ, રિવાબા જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

નિયતિને પોતાની નિયતથી ઘડનાર નેતા: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રીએ સંબોધનમાં જણાવ્યું કે  વડાપ્રધાન મોદી કોઈ સામાન્ય નેતા નથી, પરંતુ નિષ્ઠા અને પારદર્શિતાથી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર અસાધારણ વ્યક્તિત્વ છે. જે વ્યક્તિએ પોતાના માટે એક રૂમ પણ નથી બનાવ્યો, તેમણે દેશના ૪ કરોડથી વધુ ગરીબોને પાકા મકાન બનાવી આપ્યા છે.29 દેશોએ મોદીજીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે, જે 140 કરોડ ભારતીયોનું ગૌરવ છે.

11 વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓનો ચિતાર

અમિત શાહે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની મોટી સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. 27 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા. 81  કરોડ લોકોને મફત અનાજ, ૧૧ કરોડ ગેસ કનેક્શન, અને ૧૫ કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ. રામ મંદિર નિર્માણ, કલમ ૩૭૦નો અંત, અને આતંકવાદ સામે કડક ઝીરો ટોલરન્સ નીતિ. ભારત વિશ્વનું ચોથું અને ટૂંક સમયમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ અગ્રેસર છે.

નવી પેઢી માટે પ્રેરણા

અમિત શાહે ઉમેર્યું કે 'નમોત્સવ' એ નવી પેઢી, બાળકો અને યુવાનો માટે મૂલ્યો અને દેશપ્રેમ જગાવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જ્યોતિગ્રામ યોજનાથી લઈને આજની ડિજિટલ ઇન્ડિયાની ક્રાંતિ સુધીની સફર આ કાર્યક્રમમાં બખૂબી દર્શાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં ICC ના ચેરમેન જય શાહ, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી અને મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહીને આ સાંસ્કૃતિક અને પ્રેરણાત્મક મહોત્સવને નિહાળ્યો હતો.

 આ પણ વાંચો: 31st ની પૂર્વસંધ્યાએ રાણપુરમાંથી ઇનોવા કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો


  • Follow us on: