'થર્ટી ફર્સ્ટ' (31st December) ની ઉજવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત બોટાદ એલ.સી.બી. (LCB) પોલીસે રાણપુર વિસ્તારમાં સપાટો બોલાવી વિદેશી દારૂ અને બીયરના મોટા જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો છે.


 બોટાદમાં કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

ભાવનગર વિભાગના આઈ.જી. ગૌતમ પરમાર અને બોટાદ એસ.પી.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઈ. એ.જી. સોલંકીની ટીમ રાણપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે એક ઇનોવા કારમાં દારૂનો જથ્થો પસાર થવાનો છે. બાતમીના આધારે રાણપુર–પાળીયાદ ત્રણ રસ્તા પાસે અંડરબ્રિજ નજીક પોલીસે વોચ ગોઠવી હતી.

ઇનોવા કારમાંથી મળ્યો દારૂનો ખજાનો

શંકાસ્પદ જણાતી સફેદ રંગની ઇનોવા કાર (નંબર GJ-21-BC-9295) ને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાં ચોરખાના બનાવી વિદેશી દારૂ 320 બોટલો, બીયર 440 ટીન કાર સહિત કુલ મુદ્દામાલ ₹9,04,400નો જપ્ત કર્યો છે.

સુરેન્દ્રનગરનો બુટલેગર ઝડપાયો

પોલીસે દારૂના જથ્થા સાથે કાર ચાલક જોરૂભાઇ મનુભાઇ પટગીર (રહે. નોલી, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો નવા વર્ષની પાર્ટીઓ માટે સપ્લાય કરવામાં આવનાર હતો.

આ પણ વાંચો:ગૌવંશની હત્યા મામલે પોલીસની કડક કાર્યવાહી, ત્રણ આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા

  • Follow us on: