અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કોમી એકતા અને ભાઈચારાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાઇપલાઇન નાખવાની કામગીરીને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાણી પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો છે. આ કાળઝાળ ગરમી અને પાણીની કટોકટી વચ્ચે દરિયાપુરની 'કુટી મસ્જિદ' સ્થાનિકોની વહારે આવી છે. વિસ્તારમાં પાણી ન હોવાથી હિન્દુ સમાજના લોકો માટે મસ્જિદના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા, જ્યાંથી લોકોએ પોતાની જરૂરિયાત મુજબનું પાણી ભરીને રાહત અનુભવી હતી.
વર્ષો જૂની એકતા અકબંધ
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સંકટના સમયે માનવતા અને પાડોશી ધર્મ જ સર્વોપરી છે. પાઇપલાઇનના સમારકામ દરમિયાન જ્યારે રહેવાસીઓ પાણી માટે વલખાં મારી રહ્યા હતા, ત્યારે મસ્જિદના વહીવટકર્તાઓએ કોઈ પણ ભેદભાવ વગર તમામ ધર્મના લોકો માટે પાણીની વ્યવસ્થા કરી આપી હતી. સ્થાનિક હિન્દુ ભાઈઓએ પણ મસ્જિદના આ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. દરિયાપુરની ગલીઓમાં જોવા મળેલી આ એકતાએ સમગ્ર શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના દિલ જીતી લીધા છે.













