શહેરના વટવા GIDC રોડ પર આજે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રોડ સાઈડના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પત્નીને લેવા જતી વખતે નડ્યો કાળ
મૃતક યુવકની ઓળખ આકાશ ગોસ્વામી તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, આકાશ પોતાની પત્નીને લેવા માટે બારેજડી જઈ રહ્યો હતો. પત્નીના ઘરે પહોંચે તે પહેલા જ રસ્તામાં આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કાર અત્યંત ઝડપે હતી અને અચાનક કાબૂ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી.
કારનો કચ્ચરઘાણ નીકળ્યો
ઝાડ સાથેની ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ થવાના કારણે આકાશનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
વટવા પોલીસનો કાફલો સ્થળે
ઘટનાની જાણ થતા વટવા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે આકાશના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પત્નીની રાહ જોઈ રહેલા આકાશના મોતના સમાચાર મળતા જ સ્વજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: Vadodara: અટલાદરામાં નબીરીની થાર કારે લીધો ડિલિવરી બોયનો જીવ, પોલીસ મથકે મૃતકના પરિવારનો ભારે હોબાળો