વડોદરાના અટલાદરામાં ગત રાત્રે 1 વાગ્યે બનેલા ભયાનક અકસ્માત મામલે આજે અટલાદરા પોલીસ મથકે ભારે તંગદિલી જોવા મળી હતી. પૂરપાટ ઝડપે આવતી થાર કારે બાઇક સવાર ડિલિવરી બોય અભિષેક મોરેને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે કાર ચલાવનાર 19 વર્ષીય ઋષિકા સદનાનીની ધરપકડ કરી છે.
પરિવારનો રોષ અને પોલીસ પર ગંભીર આક્ષેપ
અભિષેક મોરેના પરિવારજનો મોટી સંખ્યામાં પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. પરિવારે આરોપ લગાવ્યો છે કે રાત્રિના સમયે પોલીસે તેમને કોઈ યોગ્ય જવાબ આપ્યો નહોતો. એટલું જ નહીં, પોલીસે પક્ષપાત કરીને અકસ્માત સર્જનાર યુવતીના પરિવારને તેને મળવા દીધો હતો, જ્યારે પીડિત પરિવારને અવગણવામાં આવ્યો હતો. સ્થાનિક નગરસેવક મનીષ પગારે પણ સ્થળ પર પહોંચી પોલીસની કામગીરી અને FIRમાં વિગતોના અભાવ અંગે સવાલો ઉઠાવ્યા હતા.
DCP મંજિતા વણઝારાનું નિવેદન
આ મામલે DCP મંજિતા વણઝારાએ જણાવ્યું હતું કે, "અકસ્માત સમયે કારમાં ત્રણ યુવતીઓ (ઋષિકા સદનાની, તનીષા અને વિસમય પટેલ) હતી, જેઓ લગ્ન પ્રસંગ પતાવી ઘરે જઈ રહી હતી. ઋષિકા NISU માં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને તેની પાસે લાયસન્સ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. યુવતીઓનો મેડિકલ ટેસ્ટ કરાવાયો છે, જેના રિપોર્ટ બાદ નશા અંગે સ્પષ્ટતા થશે."
પુરાવા સાથે છેડછાડ કરનાર સામે કડક પગલાં લેવાશે
નગરસેવક મનીષ પગારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, મૃતક યુવક તેના પરિવારનો એકમાત્ર સહારો હતો. જો પોલીસ યોગ્ય તપાસ નહીં કરે અને પીડિત પરિવારને ન્યાય નહીં મળે તો જલદ આંદોલન કરવામાં આવશે. બીજી તરફ, પોલીસ સીસીટીવી ફૂટેજ એકત્ર કરી રહી છે અને ખાતરી આપી છે કે કોઈ પણ પુરાવા સાથે છેડછાડ કરનાર સામે કડક પગલાં લેવાશે.
આ પણ વાંચો: Bhavnagar: વાળુકડમાં બોગસ ડૉક્ટર ઝડપાયો, નિવૃત્ત હેલ્થ સુપરવાઇઝર ઘરમાં ક્લિનિક ખોલી બેસી ગયો