અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા ભારે વાહનો માસૂમ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. શહેરના રોયલ અકબર ટાવર પાસે આજે એક બેફામ ગતિએ આવતા ડમ્પર ચાલકે મોપેડ સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે.
અમદાવાદમાં બેફામ ડમ્પરે યુવકનો જીવ લીધો
મળતી માહિતી મુજબ, મૃતક યુવક પોતાના મોપેડ પર સવાર થઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી મોપેડને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક રસ્તા પર પટકાયો હતો અને ડમ્પરના પૈડા નીચે આવી જતાં તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.










