શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં નવું આધારકાર્ડ બનાવી આપવા માટે રૂ. 32,000ની લાંચ માંગનાર બે કરાર આધારિત કર્મચારીઓ અને એક વચેટિયાને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા છે.


જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ બનાવવા લાંચ માગી

એક 36 વર્ષીય અરજદારને લોન મેળવવા માટે આધારકાર્ડની તાતી જરૂર હતી. જોકે, તેમની પાસે જરૂરી જન્મનું પ્રમાણપત્ર કે એલ.સી. (LC) નહોતું. વર્ષ 2023ના નવા નિયમો મુજબ, જન્મના દાખલા વગર નવું આધારકાર્ડ કાઢવું અશક્ય છે. આ તકનો લાભ ઉઠાવીને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કોઈપણ દસ્તાવેજ વગર આધારકાર્ડ બનાવી આપવાની લાલચ આપી હતી.

લાંચની રકમ અને ટ્રેપ

આરોપીઓએ આ ગેરકાયદે કામ માટે કુલ રૂ. 32,000ની માંગણી કરી હતી. જેમાં અગાઉ રૂ. 25,000 અને ત્યારબાદ બીજા રૂ. 7,000 માંગવામાં આવ્યા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. રખિયાલ સિવિક સેન્ટર પાસે ગોઠવાયેલા છટકામાં વચેટિયા મારફતે રકમ સ્વીકારતા જ ત્રણેયને દબોચી લેવાયા હતા.

ઝડપાયેલા આરોપીઓની વિગત

ACBએ આ મામલે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જય દિલીપકુમાર પંચોલી: કરાર આધારિત પ્યુન (વર્ગ-4).ભાગ્યેશ રમેશભાઇ સોલંકી: કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર.સંદીપ વક્તાજી પ્રજાપતિ: ખાનગી વ્યક્તિ (વચેટિયો). તપાસમાં બહાર આવ્યું છે કે, કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકીના કહેવાથી જય પંચોલી અને વચેટિયા સંદીપે નાણાં સ્વીકાર્યા હતા.

આ પણ વાંચો: Kutch: ભચાઉના કકરવા ગામે વિકરાળ આગ, સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો


  • Follow us on: