ભચાઉ તાલુકાના કકરવા ગામે એકાએક લાગેલી ભીષણ આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ગામમાં આવેલ ઘાસચારાના એક મોટા ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા લાખો રૂપિયાની કિંમતનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે.


ઘાસચારાના ગોડાઉનમાં આગ 

મળતી માહિતી મુજબ, કકરવા ગામે આવેલા આ ગોડાઉનમાં અચાનક ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સૂકો ઘાસચારો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી, જેના પરિણામે ગોડાઉનમાં રહેલો લાખોનો માલ સામાન જોખમમાં મુકાયો હતો.

13 કલાકથી સતત પ્રયાસો

આગ એટલી ભીષણ છે કે છેલ્લા 13 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ તેની તીવ્રતામાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. ભચાઉ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવી રહી છે. જોકે, આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બનતા અન્ય આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી રહી છે.

પશુ આહાર અને ઘાસચારો બળીને રાખ

 પ્રાથમિક અંદાજ મુજબ, આ આગમાં લાખોની કિંમતનો પશુ આહાર અને ઘાસચારો બળીને રાખ થઈ ગયો છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ હોઈ શકે તેની તપાસ આગ બુઝાયા બાદ કરવામાં આવશે. રહેણાંક વિસ્તારની નજીક ગોડાઉન હોવાથી સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં પણ ફાયર વિભાગના જવાનો જીવના જોખમે આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. જે રીતે આગની જ્વાળાઓ દેખાઈ રહી છે તે જોતા હજુ પણ વધુ સમય લાગે તેવી શક્યતા છે. પોલીસ કાફલો પણ વ્યવસ્થા જાળવવા માટે ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat માં ગજેરા ગ્રુપ પર ITના દરોડાનો બીજો દિવસ, "તપાસથી મને કોઈ ફરક પડતો નથી" - વસંત ગજેરા


  • Follow us on: