સુરતના જાણીતા લક્ષ્મી ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત્ રહી છે. ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુની ગજેરાના વિવિધ ઠેકાણાઓ પર IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ મામલે મૌન તોડતા વસંત ગજેરાએ પોતે જ ઇન્કમટેક્સની રેડ પડી હોવાની પુષ્ટિ કરી છે. તેમણે અત્યંત મક્કમતા સાથે જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ પોતાની કામગીરી કરી રહ્યું છે અને અમે અમારો વ્યવસાય કરી રહ્યા છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે આ પ્રકારના ચેકિંગથી તેમને કોઈ ફરક પડતો નથી અને તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.
હીરા ઉદ્યોગમાં હડકંપ
આ દરોડા દરમિયાન મેહુલ ચોક્સી સાથેના જોડાણ અંગે પૂછવામાં આવતા વસંત ગજેરાએ સ્પષ્ટ નકાર ભણ્યો હતો અને જણાવ્યું હતું કે આ મુદ્દે તેમને કંઈ જ ખબર નથી. ઉલ્લેખનીય છે કે, હીરા ઉદ્યોગ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ગજેરા બંધુઓને ત્યાં ચાલી રહેલી આ તપાસમાં મોટાપાયે હિસાબી દસ્તાવેજો અને ડિજિટલ ડેટાની ચકાસણી કરવામાં આવી રહી છે. સુરતના હીરા બજારમાં આ રેડને પગલે ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે, જ્યારે ઉદ્યોગપતિએ પોતે જ સામે આવીને નિવેદન આપતા ચર્ચાઓએ જોર પકડ્યું છે.
