કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે બપોરે 1:56 કલાકે ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ધરતી ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. અચાનક આવેલા આ આંચકાને કારણે ઓફિસો અને ઘરોમાં રહેલા લોકો ગભરાઈને ખુલ્લી જગ્યામાં દોડી આવ્યા હતા. જોકે, આંચકો ઓછી તીવ્રતાનો હોવાથી અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ વારંવાર આવતા આંચકાઓને લીધે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
કચ્છમાં ફરી ધરતીકંપ
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી દૂર નોંધાયું હતું. કચ્છ લાંબા સમયથી સિસ્મિક ઝોનમાં આવતું હોવાથી અહીં અવારનવાર નાના-મોટા આંચકા આવતા રહે છે. નિષ્ણાતોના મતે ભૂસ્તરિય પ્લેટોમાં થતી હલચલને કારણે આ પ્રકારે ઉર્જા મુક્ત થતી હોય છે. તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા તથા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
