ગત મોડી રાત્રે બગોદરા-ધોળકા રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ખાનપુર ફાટક નજીક એક ટ્રક આગળ જઈ રહેલા અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
બગોદરા-ધોળકા રોડ પર અકસ્માત
મળતી માહિતી મુજબ, આ અકસ્માત મોડી રાત્રે તે સમયે સર્જાયો જ્યારે એક ટ્રક બગોદરાથી ધોળકા તરફ જઈ રહી હતી. ખાનપુર ફાટક પાસે આગળ દોડી રહેલા કોઈ અજાણ્યા વાહને અચાનક બ્રેક મારી હોય અથવા ટ્રક ચાલકે કાબૂ ગુમાવ્યો હોય તેમ, ટ્રક સીધી જ વાહનની પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મૃતકોમાં બાળક અને મહિલાનો સમાવેશ
આ કરૂણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં એક પુરુષ,એક મહિલા અને એક નિર્દોષ બાળક છે. ટ્રકનું કેબિન લોખંડના પતરામાં દબાઈ જવાથી અંદર સવાર ત્રણેય વ્યક્તિઓ ગંભીર રીતે ફસાયા હતા અને વધુ પડતી ઈજાઓ થવાને કારણે તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગેસ કટર અને અન્ય સાધનોની મદદથી ટ્રકમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Surat News : મુંબઈથી સુરત ડ્રગ્સ વેચવા આવેલી મહિલા પેડલર ઝડપાઈ, ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ