શહેરના ખોખરા વિસ્તારમાં વર્ષ 2021માં બનેલી એક શરમનાક ઘટનામાં અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સગીરા સાથે તેના જ ઘરમાં ઘૂસીને શારીરિક અડપલાં અને દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપી જગદીશ ઠાકોરને કોર્ટે તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.


સગીરાની છેડતીના કેસમાં 10 વર્ષની સજા 

આ કેસની વિગત મુજબ, 13 માર્ચ 2021ના રોજ ખોખરા પોલીસ સ્ટેશનમાં આરોપી જગદીશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ સગીરાના ઘરમાં ઘૂસી તેની એકલતાનો લાભ લઈ શારીરિક અડપલાં કર્યા હતા અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ભોગ બનનારના પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ કરી હતી.

કોર્ટનું કડક અવલોકન

સજા સંભળાવતી વખતે પોક્સો કોર્ટે અત્યંત ગંભીર અને ટાંકવા લાયક અવલોકન કર્યું હતું. કોર્ટે જણાવ્યું કે "દુષ્કર્મ કે તેના પ્રયાસ જેવા કેસમાં સંડોવાયેલા આરોપીઓને જો સમાજમાં છૂટા મૂકવામાં આવે, તો તે સમગ્ર સભ્ય સમાજ માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે. આવા કિસ્સાઓમાં ન્યાયતંત્રએ કડક વલણ અપનાવવું અનિવાર્ય છે.

પુરાવા અને સાક્ષીઓની કડી

આ કેસને મજબૂત બનાવવા માટે સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. તપાસ દરમિયાન10થી વધુ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.ભોગ બનનાર સગીરાની જુબાની સૌથી મહત્વનો પુરાવો બની રહી હતી.મેડિકલ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો.

આ પણ વાંચો:સણવલ્લામાં પાવર ગ્રીડની કામગીરી મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે દેખાવકારોની અટકાયત કરતા મામલો બિચક્યો

  • Follow us on: