શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી નિલકમલ સોસાયટી પાસે એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવતી પર અજાણ્યા શખ્સે એસિડ ફેંકી હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઘટનામાં ગંભીર રીતે દાઝેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
અમદાવાદના સરદારનગરમાં એસિડ એટેક
યુવતી જ્યારે સોસાયટીની બહાર હતી ત્યારે અચાનક એક શખ્સે તેના પર એસિડ ફેંક્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા જ સ્થાનિક રહીશો તેની મદદે દોડી આવ્યા હતા. લોકોએ ત્વરિત સૂઝબૂઝ દાખવી યુવતી પર ઠંડુ પાણી છાંટી તેને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલી આપી હતી.
પિતા સામે ગંભીર આક્ષેપો
મળતી માહિતી મુજબ, પીડિતા છેલ્લા 13 વર્ષથી તેની માતા અને બહેનો સાથે પિતાથી અલગ રહે છે. યુવતીએ વર્ષ ૨૦૨૩માં પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા હતા, જેનાથી તેના પિતા અત્યંત નારાજ હતા. પીડિતાનો આક્ષેપ છે કે પિતા સામે કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હોવાથી અને પ્રેમ લગ્નની અદાવત રાખીને પિતા અથવા તેમના માણસોએ આ જીવલેણ હુમલો કરાવ્યો છે.
પોલીસ કાર્યવાહી
સરદારનગર પોલીસે આ મામલે યુવતીના પિયર પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી હુમલો કરનાર અજાણ્યા શખ્સ સુધી પહોંચી શકાય.
આ પણ વાંચો: Gir Somnath: જૂનાગઢ મીટર ગેજ ટ્રેન પુનઃ શરૂ થતા ભવ્ય વધામણાં, આંદોલનકારીઓની મહેનત રંગ લાવી